જામનગર: વડોદરા નજીક અટલાદર પાદરા રોડ પર નારાયણ વાડી પાસે મોડી રાત્રે રીક્ષા અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દંપતી સહિત પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે એક બાળકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પાદરા તાલુકાના લોલા ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી રીક્ષામાં પરત ફરતો હતો ત્યારે કાળમુખી કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.
આજે મોડી રાત્રે વડોદરામાં અટલાદર-પાદરા રોડ નારાયણ વાડી પાસે એક રીક્ષાને પુર ઝડપે દોડતી કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં રીક્ષા સવાર પરિવારના તમામ સભ્યો રીક્ષા પરથી ફંગોળાઈ જતા ગંભીર ઈજાઓ હતી. જેમાં માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા અરવિંદ પૂનમ નાયક ઉવ 28, કાજલ અરવિંદ નાયક ઉવ 25 નામના દંપતી અને શિવાની અલ્પેશ નાયક ઉવ 12 એમ ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા હતા.
જયારે ગંભીર રીતે ઘવાયેલ અન્ય ત્રણ વ્યક્તિઓને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃતક દંપતીના અન્ય બે સંતાનો ગણેશ અરવિંદ નાયક ઉવ 5 અને દ્રષ્ટિ અરવિંદ નાયક ઉવ 6ના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે દંપતીના સૌથી મોટા એવા અન્ય એક સંતાન આર્યન અરવિંદ નાયક ઉવ 8ને ગંભીર ઈજાઓ પહોચી છે અને તેની હાલ સારવાર ચાલી છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના લોલા ગામનો પરિવાર એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાત્રે રીક્ષામાં બેસી પરત ગામ તરફ જતો હતો ત્યારે ગમખ્વાર અકસ્માતનો ભોગ બની ગયો હતો. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.