જામનગર: વીજ વિભાગ દ્વારા સવા કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી પાડી છે એવી સતાવાર જાહેરાત કરવામાં આવી છે. પણ આ જાણકારીમાં વીજ તંત્રએ જાણી જોઈને વીજ ચોરી કરનાર સ્ટોન ક્રસરવાળાઓના નામ આપ્યા નથી. આ બાબતે વીજ કચેરીના અધિકારીને પૂછતાં તેઓએ પણ ગલ્લા તલ્લા કરી ત્રીજી પ્રેસ બ્રીફમાં નામ જાહેર કરી દેવામાં આવશે એવો વાહિયાત જવાબ આપ્યો હતો. વીજ તંત્ર કોનાથી ડરે છે? આ સ્ટોન ક્રસર કોના છે? કોઈ રાજકીય નેતાઓના છે કે અન્ય મોટા માથાઓના? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ગઇકાલ તા: ૦૧/૦3/૨૦૨૩ ના રોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-વડોદરા ના વિજીલન્સ વિભાગ દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળના સિક્કા પેટાવિભાગીય કચેરીહેઠળના ખટીયા બેરાજા વિસ્તારમાં કુલ-૮ જેટલી વીજ-ચેકિંગ ટીમો તેમજ જીયુવીએનએલપોલીસ ની ટીમો ના રક્ષણ સાથે વીજ-ચેકિંગ ની કામગીરી કરવામાં આવેલ. સદર વીજ-ચેકિંગ દરમ્યાન બે સ્ટોન ક્રશર ના વીજ જોડાણ માં ગેરરીતી માલૂમ પડેલ હતી.
જે પૈકી એક જોડાણ માં વીજ-મીટર વિના બિન-અધિકૃત રીતે લંગર થી ૩૫.૯૫ કી.વો. વિજભાર માં વીજ વપરાશ માલૂમ પડેલ, જ્યારે અન્ય બીજા વીજ-જોડાણ માં વીજ-ટ્રાન્સફોર્મર પરથી લંગર લઈ મીટર બાયપાસ કરી, કુલ-૧૬૮ કિ.વો. વિજભાર જોડી વીજ વપરાશ માલૂમ પડેલ. સદર ગેરરીતી સબબ બંને જોડાણો ના પાવર સપ્લાય કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સદર બંને જોડાણોના પૂરવણી બિલ ની અંદાજીત રકમ રૂપિયા ૧.૪૨ કરોડ જેટલી છે.
જો કે ઉપરોક્ત દર્શાવેલ અક્ષર:સહ વિગતો વીજ વિભાગ દ્વારા સતાવાર જાહેર કરવામાં આવી છે. પણ કોને ત્યાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું? એ વિગત આપવામાં તંત્ર જાણી જોઇને ઉણું ઉતર્યું છે. વીજ અધિકારીએ તો વાહિયાત જવાબ આપી જણાવ્યું હતું કે હવે અન્ય પ્રેસબ્રીફમાં નામ જાહેર કરવામાં આવશે. નામ જાહેર કરવામાં વીજ તંત્ર કેમ ડરી ગયું? કોણે આચરી છે વીજચોરી? એ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.