જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે એક યુવાને ભૂલથી ગામના જ એક મહિલાના ફોન પર કોલ કરતા ફોન તેણીના પુત્રએ ઉપાડ્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્રએ યુવાનની વાડીએ પહોચી માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. મેઘપર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના મેઘપર પડાણા પોલીસ દફતરની હદમાં આવતા મિઠોઈ ગામની આ ઘટના છે. જેમાં ગત તા ૨૪ મીના રોજ દાજીયુ નામની સીમમાં આવેલ પોતાની વાડીએ સરગવાના ઝાડ નીચે સુતેલ નરેન્દ્રસિંહ ભીખુભા વાળા ઉ.વ.૩૬ પર મોટર સાયકલ સાથે વાડીએ આવેલ વિપુલસિંહ વનરાજસિંહ જાડેજા બીભત્સ વાણી વિલાસ આચર્યો હતો અને લાકડી વડે હુમલો કરી, માથાના પાછળના ભાગે એક ઘા મારી તથા ડાબા હાથના પોચા ઉપર એક ઘા મારી તેમજ શરીરે બેત્રણ ઘા મારી મુંઢ ઇજા તેમજ ડાબા હાથના પોચા ઉપર ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ બાદ આરોપી નાશી ગયો હતો.
અને યુવાને તેના મિત્રને ફોન કરી વાડીએ બોલાવી લઇ જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ ઘરે પહોચતા દુખાવો થતા ખંભાલીયા ખાતે ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન પણ કરાવ્યું હતું. આ બનાવ અંગે બે દિવસ બાદ યુવાને આરોપી વિપુલસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતાનાથી ભૂલ થી આરોપીના બા લક્ષ્મીબાને ફોન લાગી ગયો હતો જે ફોન આરોપીએ ઉપાડયો હતો. આ બાબતના મન:દુખનો ખાર રાખી આરોપીએ પોતાની મોટર સાયકલ લઈ યુવાનની વાડીએ પહોચી હુમલો કરી માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.