દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે રહેતા અને ફેબ્રિકેશન કામ કરતા આસામીના ૧૭ વર્ષીય પુત્રના મિત્રોએ ધાક ધમકી આપી સાડા ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બગીચામાં ફરવા લઇ ગયા બાદ બંને મિત્રોએ રૂપિયા આપવા દબાણ કરી સમયાન્તરે રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો જાહેર થઈ છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે શક્તિનગર વિસ્તારમાંથી એક ચોકાવનારો અને લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમામ વાલીઓને પોતાના સંતાનોના સંગ અંગે ધ્યાન રાખવાની બતી ધરી રહ્યો છે. વાત જાણે એમ છે કે બંગલાવાડી વિસ્તારમાં રહેતા વિજયભાઇ નાથુભાઇ વડગામાના સતર વર્ષીય પુત્ર સુજલ સાથે પરિચય કેળવી બાજુમાં રહેતાસોરભ રાજેશ મીશ્રા રહે.બગલાવાડી, ખંભાળીયા અને મુનાફભાઇ અકબર મોદી રહે.ખંભાળીયા બંને કલ્યાણબાગમાં ફરવા લઈ ગયા હતા. જ્યાં બંને સખ્સોએ સગીરવયના સુજલને છરી બતાવી, ભુંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અલગ-અલગ સમયે કુલ રૂ.૩,૫૫,૦૦૦ની રોકડ રકમ બળજબરીથી કઢાવી લીધી હતી.
પોતાની પત્નીને આપેલ રોકડની જરૂર પડતા વિજયભાઈએ પત્નીને રોકડ આપવા કહ્યું હતું. પત્નીએ કબાટમાં જોતા રોકડ ગાયબ જણાઈ હતી. જેને લઈને તેઓએ તેમના બંને સંતાનોને આ વાત કહી હતી. જેમાં સુજલે સમગ્ર હકીકત માતાપિતાને કહી હતી. ત્યારબાદ વિજયભાઈએ બંને સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.