જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે પાંચેક વર્ષ પૂર્વે એક યુવતીએ બેદરકારી પૂર્વક અન્ય લોકોના જાનમાલને હાની પહોચે તે રીતે હથિયારથી ફાયરીંગ કર્યું હતું. વર્ષો પછી આ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ થતા પોલીસ તપાસમાં હથિયાર તેણીના દાદાના નામે પરવાનાવાળું હોવાનું સામે આવ્યું છે. જો કે ફાયરીંગ કરતા જે યુવતી નજરે પડે છે તે યુવતી હાલ કેનેડામાં સ્થાઈ થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ૨૦ હજારનું હથિયાર કબજે કરી, તેણી અને તેના દાદાની સામે ફરિયાદ નોંધી કૌટુંબિક દાદાની ધરપકડ કરી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતેથી એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક યુવતી હથિયારમાંથી ફાયરીંગ કરતી નજરે પડતી હતી. એસઓજી પોલીસે તપાસ કરતા આ યુવતી ખંભાલીયામાં જ શક્તિનગર વિસ્તારમાં રહેતા નંદીનીબેન ખીમાભાઈ રૂડાચ હોવાનું સામે આવ્યું હતું. આ વિડીઓ ફેસબુકમાં કરણ ગઢવી નામના નામેં બનાવવામાં આવેલ એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વિડીઓમાં યુવતી એક રાઉન્ડ ફાયરીંગ કરતી નજરે પડતી હતી. તેણીની ગેરકાયદેસર રીતે અન્યની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ફાયરીંગ કરતો વિડીઓ સામે આવતા જ એસઓજી પોલીસે વધુ તપાસ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન યુવતીની ઓળખ થઇ હતી અને તેઓને તેણીના કૌટુંબિક દાદા હરસુર ખેરાજભાઈ રુદાચનો સંપર્ક થયો હતો. પોલીસના કોલના પગલે હરસુરભાઈ હથિયાર સાથે તુરંત એસઓજી પહોચ્યા હતા. પોલીસે બાર બોર ડબલ બેરલ વાળું હથિયાર કબજે કર્યું હતું. આ જ હથિયારમાંથી ફાયરીંગ થયું હોવાનું સામે આવતા પોલીસે હથિયાર કબજે કર્યું હતું. જે યુવતીએ હથિયારમાંથી ફાયરીંગ કર્યું છે તે યુવતી હાલ કેનેડામાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે યુવતી અને તેના કૌટુંબિક દાદા સામે જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.