જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામે રહેતા આધેડના બાઈકને ભાદરા પાટિયા પાસે અન્ય એક બાઈકે ઠોકર મારતા આધેડનું ગંભીર ઈજા પહોચતા વિધિવત સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નીપજ્યું હતું. આધેડ ધ્રોલથી કામ પતાવી પરત કેશીયા ગામે જતા હતા ત્યારે અર્ધ રસ્તે અકસ્માતનો ભોગ બની ગયા હતા અને અકાળે અવસાન પામ્યા હતા. ચાર ભાઈઓ પૈકીના ત્રણ ભાઈઓના બે જ વર્ષમાં મૃત્યુ થતા ભરવાડ પરિવાર પર જાણે કાળ કોપાયમાન થયો હોય તેમ એક પછી એક ભાઈના મૃત્યુ થયા છે. ભરવાડ પરિવાર પર સતત આફતના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
જોડિયા તાલુકા મથકથી જામનગર તરફ સાત કિમી દુર આવેલ ભાદરા પાટીયા પાસે ગઈ કાલે પેટ્રોલ પંપ સામે એક પુર જડપે પસાર થતા મોટર સાયકલના ચાલકે સામેથી આવતા મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં એક બાઈકના ચાલક એવા જોડિયા તાલુકાના કેશિયા ગામના મૈયાભાઈ મુરાભાઈ ટોરીયા નામના આધેડ મોટર સાયકલ પરથી ફંગોળાઈ જતા તેઓને માથામાં તથા પગમાં તથા દાઢીના ભાગે ગંભીર ઇજા પહોચતા એકત્ર થયેલ લોકોએ તાત્કાલિક તાલુકા મથકની હોસ્પિટલ ખસેડી પરિવારને જાણ કરી હતી. દરમિયાન મૈયાભાઈના ભાઈ પુનાભાઈ સહિતનાઓ હોસ્પિટલ પહોચ્યા હતા. જોડિયા હોસ્પિટલથી પ્રાથમિક સારવાર આપી આધેડને જામનગર ખસેડાયા હતા. જો કે જામનગર પહોચે તે પૂર્વે જ આધેડનું મૃત્યુ થયું હતું. અકસ્માત નીપજાવી બાઈક ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતક મૈયાભાઈના ભાઈ પુનાભાઈએ જોડિયા પોલીસમાં આરોપી બાઈક ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
મૃતક સહીત ચાર ભાઈઓનો પરિવાર કેશીયા ગામે રહે છે. ચાર પૈકીના બે ભાઈઓના બે વર્ષ પૂર્વે મૃત્યુ થયા છે ત્યારે વધુ એક ભાઈનો અકસ્માતમાં ભોગ લેવાઈ જતા પરિવાર પર આફત આવી પડી છે. ભરવાડ પરિવાર પર કાળ કોપાયમાન થતા નાના એવા ગામ તેમજ સમાજમાં શોક છવાયો છે.