જામનગર અપડેટ્સ: જામનગર સહીત રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટીકલ પરીક્ષાઓ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન જામનગરમાં પોલીસ હેડક્વાટર ખાતે ચાલતી પરીક્ષામાં બે ઉમેદવારોની ચાલાકી (ગેરરીતી) સામે આવી છે. એક ઉમેદવારે દોડની બંને ચીપ અન્ય ઉમેદવારને આપી પરીક્ષા પાસ કરવાનો છેતરપીંડીભર્યો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે જેને લઈને પરીક્ષા ડ્યુટી સાથે સંકળાયેલ પોલીસ અધિકારીએ બંને સખ્સો સામે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર પોલીસ હેડક્વાટર ખાતેના ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત હાલ પ્રેક્ટીકલ પરીક્ષા ચાલી રહી છે. અહી દરરોજ ૧૬૦૦ ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવી રહ્યા છે. ગત તા. ૨૩મીના રોજ ૯૦૮ ઉમેદવારો પરીક્ષા આપવા માટે પોલીસ હેડક્વાટર પહોચ્યા હતા. ઉમેદવારો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લઇ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક ગ્રુપમાં ૨૦૦ ઉમેદવારો એક સાથે દોડ કરાવવામાં આવે છે. દરેક ઉમેદવારે જયારે પોતાનો વારો જે ગ્રુપમાં આવે ત્યારે દોડ માટે નિયત કરવામાં આવેલ પાંચ હજાર મીટરનું અંતર ૨૫ મિનીટમાં પૂર્ણ કરવાનું રહે છે. જેમાં ગ્રુપ ત્રણમાં પોતાનો વારો આવતા મૂળ ગોંડલના બેટીવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગુર્પમાં નોકરી કરતા અર્જુનસિંહ સુખુભા જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ દસરથસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી. આ ૨૦૦ ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦ પૈકી એક ઉમેદવાર એટલેકે અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલ રનીંગ ચીપ રીડ નહી થતી હોવાની જાહેર કરવામાં આવી હતી. જેને લઈને પરીક્ષાના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસએ લગત એજન્સીને સાથે રાખી છેક ગાંધીનગર ખાતેના સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કર્યો હતો. જેમાં અર્જુનસિંહની ચીપ રીડ નહી થતી હોવાની હકીકત સામે આવી હતી. આ બાબતે અર્જુનસિંહને પૂછતાં સમગ્ર હકીકત સામે આવી હતી.
એસઆરપીમાં નોકરી કરતા અર્જુનસિંહથી દોડાતું નહી હોવાથી તેની જ બેંચમાં રહેલ તેના સાથી મિત્ર ઉમેદવાર શિવભદ્રસિંહને પોતાના પગે બંને ચીપ આપી દીધી હતી. દોડ શરુ થતા પૂર્વે જ મિત્રને ચીપ આપી દઈ અને છેક બારમાં રાઉન્ડમાં પોતાના મિત્ર પાસેથી ચીપ પરત લઇ અર્જુનસિંહે દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું હતું. દોડ પૂર્વે પરીક્ષા સંભાળતી ખાનગી એજન્સી દરેક ઉમેદવારોને બંને પગે ઇલેક્ટ્રિક ચીપ ( દોડના નિશ્ચિત રાઉન્ડ અને સમય જોવા માટેની ચીપ) બાંધે છે. આરોપી અર્જુનસિંહે દોડ શરુ થાય એ પૂર્વે પોતાના પગે બાંધે ચીપની પ્લાસ્ટિકનું લોક તોડી નાખી પોતાના મિત્રને આપી દીધું હતું. મિત્રએ દોડ પૂર્ણ કર્યા બાદ ચીપ પરત ઉમેદવાર એસઆરપી જવાનને આપી દોડ પાસ કરાવી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને દોડ વિભાગ સંભાળતા લીવ રિજર્વ પીઆઈ જયપાલસિંહ સોઢાએ બંને ઉમેદવારો સામે બીએનએસ અને ધ ગુજરાત પબ્લિક એક્જામીનેશન એકટ મુજબ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ ઝા સહિતના સ્ટાફે બંને આરોપીઓની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીને હવે એસઆરપીની નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે?
મૂળ ગોંડલ પંથકના આરોપી અર્જુનસિંહ જાડેજા હાલ ગોંડલ એસઆરપી જૂથ આઠમાં હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ અર્જુનસિંહે પ્રેક્ટીકલ પરીક્ષામાં છેતરપીંડી કરી પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હવે જયારે તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાઈ ચુકી છે ત્યારે પોલીસસુત્રોનું માનવામાં આવે તો અર્જુનસિંહએ પોલીસની નોકરી મેળવવા કરેલ ચીટીંગને લઈને એસઆરપીની નોકરી પણ ગુમાવવી પડશે
ખાનગી એજન્સીને સોંપાઈ છે પરીક્ષાની જવાબદારી
પોલીસ ભરતી પરીક્ષા પ્રક્રીયામાં ઉમેદવારોને જે તે સેન્ટર પર પ્રથમ ઉમેદવાર કોલ લેટર અને આઈ-ડી પ્રુફ બતાવે ત્યારે તેઓને એન્ટ્રી-ગેટ પરથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામા આવે છે અને ત્યાથીજ લાઉડ સ્પીકરથી ભરતી અંગેની SOP માં જણાવ્યા મુજબ તેનુ રીઝલ્ટ તૈયાર કરવા સુધીની તમામ જવાબદારી અને કામગીરી ખાનગી એજન્સીના માણસો દ્વારા કરવાની હોય છે
આવી રીતે લેવામાં આવે છે દોડની પરીક્ષા
પોલીસ ભરતી પરીક્ષા પ્રક્રીયામાં હાજર ઉમેદવારો પરીક્ષા સ્થળ પર પ્રથમ ઉમેદવારી કોલ લેટર અને આઈ-ડી પ્રુફ બતાવે ત્યારે તેઓને એન્ટ્રી-ગેટ પરથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામા આવે છે અને ત્યાથીજ લાઉડ સ્પીકરથી ભરતી અંગેની SOP માં જણાવ્યા મુજબ કોઈ ગેરરીતી કરશે કે બીજા કોઈને મદદ કરશે તો મદદ લેનાર અને મદદ કરનાર બન્નેને ગેરલાયક ઠરાવવામા આવશે વિગેરે મુજબની સુચનાઓ આપવામા આવે છે બાદ તેઓને હોલ્ડીંગ એરીયા ૧માં બેસાડવામા આવે છે અને ત્યા પણ લાઉડ સ્પીકરથી ભરતી અંગેની SOP માં જણાવ્યા મુજબની સુચનાઓ આપવામા આવે છે ત્યારબાદ ઉમેદવારને રજીસ્ટ્રેશન પ્રક્રીયામાં જવાનુ હોય છે જયા તેઓની બાયોમેટ્રીક ની કાર્યવાહી અને બીજી જરુરી કાર્યવાહી કરી તેઓને બન્ને પગમાં RFID ચીપ એજન્સીના માણસો દ્વારા લગાડી તે ચીપને લોક કરવામા આવે છે અને તેઓને ચેસ્ટ નંબર ફાળવવામા આવે છે આ પ્રક્રીયા પુર્ણ થયા બાદ તેઓને હોલ્ડીગ એરીયા નં ૨માં બેસાડવામા આવે છે.
ઉમેદવારોના ફેસ ટ્રેકિંગ કરી રનીંગ ટ્રેક પર પ્રવેશ
હોલ્ડીંગ એરિયામાં પણ ઉમેદવારોને ભરતી અંગેની SOPમાં જણાવ્યા મુજબની જરુરી સુચનાઓ અંને બ્રીફીગ લાઉડ સ્પીકર થી ગ્રાઉન્ડ ઈનચાર્જ દ્વારા આપવામા આવે છે ત્યારબાદ જે જે ઉમેદવારોનો રનીગ માટેનો વારો આવે તે ઉમેદવારોને ફેસ આઈડેન્ટીફીકેશન કરાવી રનીગ ટ્રેક પર પ્રવેશ આપવામા આવે છે અને ત્યા ચેસ્ટ નંબરના અનુક્રમ પ્રમાણે તેઓને રનીગ માટે ઉભા રાખવાના આવે છે અને બેચના તમા મ ઉમેદવારો ઉભા રહી જાય ત્યા પણ ગ્રાઉન્ડ ઈન્ચાર્જ દ્વારા લાઉડ સ્પીકરથી SOP મુજબની સુચના અને નિયમો સમજાવવામા આવે છે.
રનીંગ પૂર્ણ થયા બાદ કોલ લેટરમાં પાસ-ફેઈલના સિક્કા
‘રનીંગ પરીક્ષા શરુ કરાવવામા આવે છે અને ૫,૦૦૦ મીટરના રનીંગ માટેનો ૨૫ મીનીટ નો સમય પુર્ણ થયા બાદ તમામ ઉમેદવારોને ડી-રજીસ્ટ્રેશન એરીયા ખાતે બેસાડવામા આવે છે અને ત્યા તેઓની ચીપ પર લગાડેલ પ્લાસ્ટીકની સ્ટ્રીપ કટરથી કાપી ચીપ કાઢી લેવામા આવે છે અને રનીગ નુ પરીણામ આપવામા આવે છે જે ઉમેદ વારો નાપાસ થયા હોય તેમના ચેસ્ટ નંબર જમા લઈ તેઓની સહી લઈ કોલ લેટરમાં PET FAIL અંગેનો લાલ કલરનો સીકકો મારી ગ્રાઉન્ડ બહાર મોકલી દેવામા આવે છે અને પાસ થયેલ ઉમેદવારોને કોલ લેટરમાં PET PASS નો વાદળી કલરનો સીકકો મારી અને પાસના પરીણામમા તેઓની સહી લઈ તેઓને ઉચાઈ અને છાતીના માપની પ્રક્રીયા માટે PST એરીયામાં આગળ મોકલવામા આવે છે.