જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગઈ કાલે તમાકુ પ્રોડક્ટ સંબંધિત દ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રોટેક્શન સાથે મેઘપર, પડાણા આજુબાજુની મજૂર વસાહતમાં આવેલ દુકાનો પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 39 દુકાનદારો સામે જુદી જુદી ધારાઓ મુજબ કાર્યવાહી કરી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.કન્નર અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જામનગરના મેઘપર,પડાણા, કાનાલુસ તેમજ લેબર કોલોની પરપ્રાંતીય મજૂરોની રહેણાક વિસ્તારની બાજુમાં આવેલ દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ સબંધે ૧૨ કેસ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા આપવા પર પ્રતિબંધ મુજબ ૧૯ કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ આઠ કેસ કરવામાં આવ્યા હતા. આરોગ્ય તંત્રએ એક જ દિવસમાં કુલ ૩૯ કેસ કરી દુકાનદારોને રૂપિયા ૭૦૦૦ દંડ ફટકાર્યો હતો. આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસર નીરજ મોદી, તાલુકા સુપર વાઈઝર જી.પી.મકવાણા, જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાંથી મહેશભાઈ ડાંગર હાજર રહ્યા હતા.