જામનગર: રાજકોટ ક્રાઈમ બ્રાંચના નામે પોલીસ-પત્રકાર ટોળકીની રેઇડ, દારૂના નામે ૨૦ હજારનો તોડ

0
762

જામનગર અપડેટ્સ: જામનગરમાં રેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલ રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે ૨૦ હજાર રૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એક જગ્યાએથી તોડ કરી અન્ય જગ્યાએ રેઇડ કરી પૈસાની વ્યસ્થા કરી રાખવા કહેવામાં આવતા બંને આસામીઓ પોલીસ દફતરે પહોચ્યા હતા અને નકલી પોલીસ-પત્રકારનો ભાંડો ફૂટ્યો હતો.

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક રેલનગરમાં રહેતા હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.૩૧/૫/૨૦૨૫ના રોજ બપોરે પોતાના ઘરે હતા ત્યારે બપોરે બે ક વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી, આ કારમાંથી ઉતરેલ બે સખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા. રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને સખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. પિતા પુત્ર પોલીસ લફડામાં પડવા ન માંગતા હોવાથી થોડી રકજક બાદ રૂપિયા ૨૦ હજાર આપી અહી જ પ્રકરણ રફેદફે કરી નાખ્યું હતું. ત્યારબાદ બંને કથિત પોલીસ જવાનો કારમાં બેસી ભીમવાસ તરફ રવાના થયા હતા.

ભીમવાસના ઢાળિયા પાસે રમેશ વાઘેલા ઉર્ફે પ્રમુખના પુત્ર સાવનની દુકાને પહોચી બંને સખ્સોએ પોતાની ઓળખ ફરી પોલીસ તરીકે આપી તથા તેની સાથેના ત્રીજા સખ્સે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી પોતે રાજકોટમાં ત્રિલોક ન્યુઝમાંથી આવતો હોવાનું કહ્યું હતું. આ ત્રણેય સખ્સોએ સાવનને પણ દારૂ કેશ સબંધિત કાર્યવાહી કરવા અને જો કાર્યવાહીથી બચવું હોય તો પતાવત કરવાનું કહ્યું હતું. ત્યારબાદ ત્રણેય સખ્સોએ ખંભાલીયા જવાનું કહી પરત આવ્યે જો પતાવત કરવી હોય તો રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહી ત્રણેય કાર લઇ નીકળી ગયા હતા. આ ઘટનાં બાદ જેની સાથે તોડ થયો તે પિતા-પુત્ર અને સાવન મળ્યા હતા અને સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યારબાદ ત્રણેય સીટી બી ડીવીજન પોલીસ દફતર પહોચી પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના તરફના માણસો (પોલીસ કર્મચારીઓ) તરીકેની આપનાર સખ્સો અને કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધાવી હતી.. પોલીસે કથિત પોલીસ કર્મીઓ અને પત્રકાર સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.

NO COMMENTS