જામનગર: એક લાખના પગારદારે એક મહિનામાં ગુમાવ્યા 60 લાખ રૂપિયા

0
4675

જામનગરમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારી સાથે અજાણ્યા શખ્સોએ માત્ર મોબાઈલ ફોનના સહારે 60 લાખની છેરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓએ જુદા જુદા સમયે મોબાઇલ ફોનમાં વાતચીત કરી, મોટી રકમ કમાવી દેવાની લાલચ આપી, શેર બજારમાં રોકાણ કરવાની ખાતરી આપી છેલ્લા એક મહિનાના ગાળામાં 60 લાખ ઉપરાંતની રકમની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે. શેરબજાર ટ્રેડિંગ કરતી પેઢીના ભળતું નામ ધરાવતી પેઢીના કર્મચારી તરીકેની ઓળખ આપી અજાણ્યા આરોપીઓએ આ છેતરપિંડી હોવાની વિગતો જાહેર થઈ છે.

જામનગરમાં કામદાર કોલોનીમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા પ્રતાપસિંહ રામેશ્વરસિંહ તોમર સાથે છેલ્લા એક મહિનામાં સાઇબર છેતરપિંડી થઈ છે. મહિને એક લાખ રૂપિયાનો પગાર ધરાવતા પ્રતાપસિંહ તોમરને 30 મી એપ્રિલના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે અને મેસેજમાં વાતચીત કરતા સામે વાળી વ્યક્તિ શેરખાન મેક્સ ટ્રેડિંગ કંપનીના શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપે છે અને માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવાની લાલચ આપે છે આ ઉપરાંત ipo માં પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઇડ કરવાની લાલચ આપે છે જેને લઈને પ્રતાપ સિંઘે અજાણી વ્યક્તિ સાથે ટ્રેડિંગ કરવાની ઈચ્છા ધરાવી હતી. જો રોકાણ કરવું હોય તો મોબાઈલમાં એપ ડાઉનલોડ કરી આ એપના સહારે ટ્રેડિંગ કરવાં આરોપીએ સૂચના આપી હતી. ત્યારબાદ રિલાયન્સના કર્મચારીએ આ અજાણી વ્યક્તિના ભરોસામાં શેરખાન મેક્સ મોબાઇલ એપ દ્વારા છેલ્લા એક મહિનામાં જુદા જુદા દિવસે રૂપિયા 60 લાખ ઉપરાંતનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કરેલી રકમ સહિતની મૂડી પ્રતાપસિંહને તારીખ 31 ની મેના રોજ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરી હતી. પરંતુ કોઈ પણ કારણસર રકમ વીડ્રો થઈ શકી ન હતી. જેને લઈને તેઓએ અજાણી વ્યક્તિના whatsapp નંબર પર વાતચીત કરી હતી. ‘જો રૂપિયા કરવા હોય તો કુલ રકમના 20% પ્રોસેસિંગ ફ્રી પેટે જમા કરાવવા પડશે’ એવો જવાબ અજાણી વ્યક્તિએ આપ્યો હતો. જેને લઈને પ્રતાપસિંહને શંકા ગઈ હતી.

ત્યારબાદ તેઓએ પોતાના પુત્ર અભિષેકસિંઘને સમગ્ર વાત કરી હતી અને શેરખાન મેક્સ બાબતે તપાસ કરાવી હતી. પરંતુ તપાસ કરતા માલુમ પડ્યું કે આવી કોઈ ઓનલાઈન ફાઇનાન્સિયલ પેઢી જ નથી. આમ પ્રતાપસિંહ સાથે સાઈઠ લાખ છત્રીસ હજાર રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. ઓછા રોકાણે વધુ વળતરની લાલચમાં રિલાયન્સના કર્મચારી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 60.36 લાખ જમા કરાવ્યા હતા. આરોપીઓએ મોબાઈલ એપ સહારે શેરમાં રોકાણ કરાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાવવામાં આવી છે. આરોપીઓએ પ્રતાપસિંહ પાસેથી રત્નાકર લિમિટેડ બેંક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક મારફતે પોતાના એકાઉન્ટમાં એક મહિનામાં 17 વખત ટ્રાન્જેક્શન કરાવી રૂપિયા 60.36 લાખની રકમ જમા કરાવી છેતરપિંડી કરી હોવાની વિગતો જાહેર થઈ છે.

NO COMMENTS