જામનગર: જામનગર તાલુકાના ફલ્લા ગામે એક પ્રૌઢ અને તેના પુત્ર પર કાકા-ભત્રીજાઓ સહિતના ત્રણ શખ્સોએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી, પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવી હતી. જ્યારે મૃતકના પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘવાયેલ યુવાનના પત્નીને બેંકમાં નોકરી કરતા આરોપી સહકર્મીએ ઠઠા મશ્કરી કરતા હોવાથી પિતા-પુત્ર આરોપીને સમજાવવા ગયા હતા. જ્યાં તેઓની ઉપર જીવલેણ હુમલો થયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
હત્યાના બનાવ અંગેની સામે આવેલ વિગતો મુજબ, ધ્રોલ તાલુકાના ખેંકગરકા ગામે રહેતા અને હાલ રાજકોટમાં મોરબી રોડ, સેટેલાઇટ ચોક,રાજકોટ રહેતા અંકિતભાઈ ગોવિંદભાઇ ઘેડિયાના ભાઈ મિલનભાઇના પત્ની અંકીતાબેન ફલ્લા ખાતે આવેલ ગ્રામીણ બેકમાં નોકરી કરે છે. અંકિતાબેનની સાથે કામ કરતો આરોપી ધવલ મોરડીયા અંકીતાબેનની છાશવારે ઠઠા-મશ્કરી કરતો હતો. આ બાબતે અંકિતાબેને તેના પતિ મિલનભાઈને જાણ કરી હતી. દરમિયાન ગઈ કાલે અંકિત અને તેના ભાઈ મિલન પોતાની ઇકો લઈ જામનગર આવતા હતા ત્યારે ફલ્લા ખાતે બેન્ક ગયા હતા અને બેન્ક મેનેજરને આરોપી અંગેની વાત કરી જામનગર રવાના થઈ ગયા હતા.
દરમિયાન બંને ભાઈઓએ તેના ગામડે રહેતા પિતા ગોવિંદભાઈને જાણ કરી હતી, જેને લઈને ગોવિંદભાઇ ગામડેથી અને જામનગર આવેલ બંને પુત્રો ફરી આરોપીને સમજાવવા ફલ્લા ગયા હતા. જ્યાં આરોપી ધવલભાઇ મોરડીયા તથા નં તેના ભાઇ ચીરાગ ઉર્ફેભોલો મોરડીયા તથા તેના કાકા જીતેન્દ્રભાઇ મોરડીયા રહે.ફલ્લા ગામ તા.જી.જામનગર વાળાએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
જેમાં આરોપી ધવલે ગોવિંદભાઇ ઓધવજીભાઇ ઘેટીયા ઉ.વ.૫૫ વાળા પર છરી વડે હુમલો કરી, ડાબી બાજુ ગરદનના ભાગે ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી હતી. જેને લઈને વૃદ્ધ ત્યાં જ ઢળી પડ્યા હતા. જ્યારે આરોપી જીતેન્દ્રએ વૃદ્ધને ધોકા વડે શરીરે આડેધડ માર મારી, મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે આરોપી ચિરાગ અને ઘવલે છરી વડે તથા તથા જીતેન્દ્રભાઈએ લાકડાના ધોકા વડે મિલનભાઇને શરીરે આડેધડ માર મારી માથામાં તથા મોઢાના ભાગે તથા નાક પર માર મારી, નાક કાપી નાખી તથા ડાબી બાજુ છાતીના ભાગે મારી, મારી નાખવાના ઇરાદે ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી હતી.