ધ્રોલ: ત્રણ કિલો ચાંદી અને દોઢસો ગ્રામ સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ ઊંધા માથે

0
388

જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે નગરપાલિકા સામે આવેલી એક સોનીની પેઢીમાંથી માતબર ચોરીનો બનાવ સામે આવ્યો છે. મકરસંક્રાંતિની રાત્રે દુકાન પાછળની દિવાલમાં બાકોરુ પાડી અંદર ઘૂસેલા ચોર સોના ચાંદીના દાગીના મળી ₹17,58,000ના મુદ્દામાલ ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસ દ્વારા વિધિવત તપાસ હાથ ધરવામાં આવી છે. એક મહિનાના કમુરતા પૂર્ણ થયા બાદ હવે જયારે લગ્ન સીજનની સાથે પોતાના વેપારની સીજનનો પ્રારંભ થઇ રહ્યો હોય જેની શરૂઆતમાં જ તસ્કરોએ પેઢીને નિશાન બનાવી માતબર ચોરી કરી જતા સોની વેપારીની માથે આર્થીક પહાડ તૂટી પડ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

ધ્રોલ તાલુકાના હડીયાણા ગામે રહેતા પ્રકાશભાઈ ભીંડી ધ્રોલ તાલુકા મથકે નગરપાલિકાની સામે શ્રી તુલજા ભવાની જ્વેલર્સ નામની સોનીની પેઢી ધરાવે છે. આ પેઢીને મકરસંક્રાંતિની રાત્રે કોઈ તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાન પાછળની દિવાલમાં બાકોરું પાડી કોઈ તસ્કરો અંદર ઘુસ્યા હતા. તસ્કરોએ દુકાન અંદર રાખવામાં આવેલ ત્રણ કિલો વજનના ચાંદીના દાગીના તેમજ તિજોરીમાં રાખવામાં આવેલ રૂપિયા 15 લાખની કિંમતના 150 ગ્રામ સોનાના દાગીના હાથવગે કર્યા હતા. કુલ ૧૭ લાખ 58000 ની કિંમતના દાગીના હાથમાં આવી જતા ચોર જે દીવાલમાં બાકોરું પાડ્યું હતું તે જ બાકોરામાંથી પરત નાસી ગયા હતા.

આ બનાવની જાણ સવારે થતા પ્રકાશભાઈ ભીંડીએ ત્રણ પોલીસને જાણ કરી હતી ચોરીની ઘટનાના પગલે જામનગર એલસીબી પણ ધ્રોલ તાલુકા પહોંચી હતી અને સ્થાનિક પોલીસની તપાસમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પંચનામું કરી એફએસએલ અને સ્નીફર ડોગ ની મદદ લઈ નાસી ગયેલા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાના પગલે ધ્રોલ સહિત જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી છે.

NO COMMENTS