‘છોટીકાશી’ જામનગરમાં કૃષ્ણ અને વિષ્ણુનાં પ્રાચીન મંદિરો ધર્મનગરીની આગવી ઓળખ

0
7

જામનગર અપડેટ્સ: ૪૮૬ વર્ષ પહેલા જામરાવળે વસાવેલ નવાનગર આજે જામનગર તરીકે ઓળખાય છે જે તેનાં મંદિરો અને ધર્મપરાયણ જનતાને લીધે ‘છોટીકાશી’ પણ કહેવાય છે. આ નગરમાં પ્રસિદ્ધ શિવાલયો ઉપરાંત અનેક વિષ્ણુ મંદિરો પણ પ્રાચીન અને પ્રખ્યાત છે. લેખક – ઇતિહાસકાર હરકિસન જોશી દ્વારા આલેખાયેલ નગરનાં ઇતિહાસ પુસ્તક ‘નગર, નવાનગર, જામનગર’ માંથી ઐતિહાસિક સંદર્ભ લઇ તથા હાલમાં આ ધર્મસ્થાનોમાં સેવારત લોકો સાથે સંવાદ કરી કૃષ્ણ મંદિરો અને વિષ્ણુ મંદિરોનો સંક્ષિપ્ત પરિચય નગરને ‘હરીહર’ નાં તીર્થધામરૂપે અભિવ્યક્ત કરનારો બની રહે છે. ગુરૂવારને ભગવાન વિષ્ણુનો પ્રિય વાર માનવામાં આવે છે અને આજે ગુરુવાર ઉપરાંત ભગવાન વિષ્ણુનાં વામન અવતારનો પ્રાગટ્ય દિન એટલેકે વામન દ્વાદશી પણ છે ત્યારે આ શુભ સંયોગ પર નગરનાં કૃષ્ણ મંદિરો તથા વિષ્ણુ મંદિરોની યાત્રા કરીએ…

કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ ખીજડામંદિર જામનગરમાં છે. આ સંપ્રદાય શ્રી કૃષ્ણનાં અગિયાર વર્ષ અને બાવન દિવસની વયનાં સ્વરૂપને આરાધ્ય માને છે. સંપ્રદાયનાં સ્થાપક દેવચંદજી મહારાજ નામનાં સિદ્ધ પુરૂષ હતા તેમનાં શિષ્ય અને જામનગરનાં લોહાણા સમાજમાં જન્મેલ પ્રાણનાથજીએ સંપ્રદાયનો ખૂબ વિસ્તાર કર્યો. હાલ અહીં કૃષ્ણમણિજી મહારાજ મહંત પદે સેવારત છે.સંપ્રદાયનાં વિશ્વભરમાં લાખો અનુયાયીઓ છે. જન્માષ્ટમી પર્વ પર દર વર્ષે ખીજડા મંદિર દ્વારા શોભાયાત્રાનું પણ આયૌજન કરવામાં આવે છે. પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનાં સમયથી આરંભ થયેલ નગરની શ્રી મોટી હવેલીની ગાદીએ હાલ પૂ. હરિરાયજી મહારાજ બિરાજે છે. અહીં ભગવાનનું મદનમોહન સ્વરૂપ ગદાધરદાસજી વડે પૂજીત છે.બે વર્ષ પહેલા શ્રી હવેલી મોટીનાં ઉપક્રમે બડા મનોરથ છપ્પન ભોગનું આયોજન થયું હતું. ઉપરાંત પુષ્ટી માર્ગમાં તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાલક્ષ્મી ચોક નજીક આવેલ શ્રી રણછોડજીનાં મંદિરનો પાટોત્સવ સંવત ૧૫૯૨ માં મહા સુદ નોમનો હોવાનો ઉલ્લેખ તેની પ્રાચીનતા દર્શાવે છે અને આ મંદિર નગરની સ્થાપના પહેલાનું હોવાની માન્યતા છે.શાક માર્કેટ પાસે આવેલ શ્રી ગિરધારીજીનું મંદિર ઇ.સ.૧૮૨૦ માં તત્કાલીન રાજમાતા આછુબાએ બંધાવેલ હોવાની તથા તેમને સ્વપ્નમાં ભગવાને આપેલા સંકેત મુજબ રાજસ્થાનમાંથી ભોંયરામાંથી ભગવાનની મૂર્તિ કાઢી તેને સ્થાપિત કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે.હાલ અહીં મુખ્યાજી તરીકે પાર્થ વાસુ સેવારત છે.

કલ્યાણજીનાં ચોકમાં આવેલ શ્રી કલ્યાણજીનું મંદિર ત્રણસો વર્ષથી વધુ પ્રાચીન હોવાની માન્યતા છે. કલ્યાણજી પ્રાચીન નવાનગરનાં ગ્રામ દેવતા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. જામધર્માદા ટ્રસ્ટ અંતર્ગત આવતા આ મંદિરની ઇમારત જર્જરીત અવસ્થામાં છે. પ્રાચીન મંદિર હોવાને કારણે અને શ્રી કલ્યાણજી ગ્રામ દેવતા હોવાને કારણે મંદિર પાસેનાં ચોકને કલ્યાણજીનાં ચોક તરીકે ઓળખવામાં આવે છે. તળાવની પાળ નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરમાં ઠાકોરજી મનમોહક ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે.સવાસો વર્ષથી વધુ પ્રાચીન આ મંદિરે કથાનું મહાત્મય છે તથા ભક્તો મનોકામના પૂર્ણ થવા પર ભગવાન વિષ્ણુનાં પ્રિય ગરૂડધ્વજનું આરોહણ કરે છે. વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ઝંડુભટ્ટજીનાં પરીવાર સાથે જોડાયેલ હોવાથી મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. ઝંડુ ભટ્ટજી અને તેમનાં ભાઇ મણીશંકર વિઠ્ઠલજી અહીં જામ રણમલજી બીજાનાં સમયમાં વેદશાળા ચલાવતા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ છે. આ મંદિરમાં ઝંડુ ભટ્ટ, મણીશંકર વિઠ્ઠલજી તથા વિભા જામની મુખાકૃતિઓ પણ છે. હાલ અહી મુખ્યાજી દર્શનભાઇ વૈદ્ય સેવારત છે.

ખંભાળીયા ગેઇટ બહાર આવેલ મોઢ વણિક જ્ઞાતિનું શ્રી માધવરાયજી નું મંદિર પણ એક સદીથી વધુ પ્રાચીન હોવાની માન્યતા છે. ચતુર્ભુજ સ્વરૂપે શ્વેતરંગનાં ઠાકોરજી અહીં લક્ષ્મીજી સાથે બિરાજે છે.પુષ્ટી સંપ્રદાય અનુસાર દરેક ઉત્સવો અહીં ઉજવાય છે. નેહલભાઇ ભટ્ટ મુખ્યાજી તરીકે સેવારત છે. નગરમાં આણદાબાવા ચકલા નજીક આવેલ ત્રિવિક્રમરાયજીનું મંદિર પણ પ્રાચીન છે. જામ રણમલજી બીજાનાં માતૃશ્રી અને જામ જસાજીનાં સોઢીરાણી તેજીબાએ મંદિર બંધાવેલ હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ છે. અહીં શ્યામ રંગનાં ઠાકોરજી બિરાજે છે. વિષ્ણુ ભગવાનનાં દરેક અવતારોનાં જન્મોત્સવ તથા ધ્વજારોહણ સહિતનાં ધર્મકાર્યો અહી થાય છે.હાલ નિતીનભાઇ પૂંજાણી મુખ્યાજી તરીકે સેવારત છે.

રણજીત રોડ નજીક આવેલ ખવાસ જ્ઞાતિનું શ્રી પુરૂષોત્તમજીનું મંદિર પણ પ્રાચીન અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે.અહી કૃષ્ણ જન્મોત્સવ તથા રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે ખાસ કરીને અહીં પુરૂષોત્તમ માસમાં પ્રતિદિન ધર્મોત્સવ યોજાય છે તથા ભક્તો બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. મુખ્યાજી તરીકે અહીં કિશોરભાઈ દવે સેવા પૂજા કરે છે.રાજગોર ફળીમાં આવેલ રાજ્ય પુરોહિત જ્ઞાતિનું શ્રી રાધાકૃષ્ણ મંદિર પણ એક સૈકાથી વધુ પ્રાચીન છે. અહી કિશોરભાઈ વાયડા અને સુરેશભાઈ વાયડા સેવા કરે છે. જન્માષ્ટમી ઉપરાંત અહીં ગણેશોત્સવ સહિતનાં ઉત્સવો ઉજવાય છે. હવાઇ ચોક પાસે સત્યનારાયણ મંદિર રોડ નાં આરંભે આવેલ શ્રી પુરૂષોત્તમજીનું મંદિર વિભા જામનાં રાણી સોનીબાએ ઇ.સ.૧૮૬૫ આસપાસ બંધાવેલ હોવાની ઇતિહાસ પુસ્તકમાં માહિતી છે.અહીં ચતુર્ભુજ સ્વરૂપનાં ભગવાન વિષ્ણુ બિરાજે છે તથા બાજુમાં જ શ્રી સોમનાથ મહાદેવ તથા શ્રી મહાકાળી માતાજી પણ બિરાજે છે. આમ આ મંદિર પરિસર શૈવ, શાક્ત અને વૈષ્ણવ ત્રણેય પરંપરાનાં ભક્તો માટે આસ્થાનાં કેન્દ્ર સમાન છે.

ખંભાળીયા ગેઇટ બહાર કિસાન ચોક પાસે આવેલ શ્રી દ્વારકા પુરી મંદિર પણ ખૂબ પ્રાચીન હોવાની માન્યતા છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ રૂપે બિરાજે છે. અહીં ધ્વજારોહણનું મહાત્મય છે.ગત જાન્યુઆરી મહિનામાં અહી છપ્પનભોગ મનોરથનું ભવ્ય આયોજન થયું હતું. હાલ મુખ્યાજી તરીકે રમેશભાઇ રાજગોર સેવારત છે. લીમડાલાઇન વિસ્તારમાં શ્રી આણદાબાવા આશ્રમ સંલગ્ન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર પણ ભવ્ય છે.અહી લક્ષ્મીનારાયણ વિરાટ સ્વરૂપે ભક્તોનાં આરાધ્ય છે. અહીં પણ જન્માષ્ટમી પર્વ સહિતનાં ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ ઉપરાંત પણ નગરમાં કૃષ્ણ મંદિરો – વિષ્ણુ મંદિરો છે તથા વિવિધ જ્ઞાતિ વિશેષનાં પણ વિષ્ણુ ભગવાનનાં વિવિધ રૂપોને સમર્પિત મંદિરો છે જેમકે વાણંદ જ્ઞાતિનું લક્ષ્મીનારાયણ મંદિર, ગિરનારા બ્રાહ્મણ જ્ઞાતિનું રાધા દામોદરજીનું મંદિર, ભાટીયા જ્ઞાતિનું શ્યામ સુંદરજી મંદિર, વાંઝા જ્ઞાતિનું મોરલીમનોહર મંદિર વગેરે મંદિરો પણ વિષ્ણુ ભક્તોની આસ્થાનાં સ્થાનકો છે. આમ ‘છોટીકાશી’ કહેવાતું જામનગર અનેક પ્રાચીન – પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોને કારણે વિષ્ણુ ઉપાસનાની પણ સદીયો જૂની પરંપરા ધરાવતુ હોય એમ કહી શકાય કે આ શહેર ‘હરીહર’ નું શહેર છે.

NO COMMENTS