દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામે વાડી વિસ્તારમાં આવેલ સઈ દેવળિયાની સીમની વાડીએ કાર સાથે આવેલ ચાર સખ્સોએ એક યુવતીને આંતરી લઇ બોલાચાલી કરી માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રથમ દિવસે ચાર સખ્સોએ માર માર્યા બાદ બીજા દિવસે અન્ય બે આરોપીઓએ વાડીએ જઈ વાડી ખાલી કરી દેવા બાબતે ધમકી આપતા મહિલાએ ૧૮૧ સેવાની મદદ લઇ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ભાણવડ તાલુકા મથકથી ૧૪ કીમી દુર આવેલ વેરાડ ગામે સઈ દેવળિયા ગામની સીમમાં જવાના રસ્તે આવેલ ઈંન્દુબેન નાગજીભાઇ પાથર સગર નામની મહિલાની વાડીમાં કાર ઘુસી આવી હતી. આ કારમાંથી ઉતરેલા ભાવેશભાઇ નાનજીભાઇ દવે રહે.ગોપગામ તા.જામજોધપુર, નગાભાઇ મારખીભાઇ બેરા રહે.માનપર ગામ તા.ભાણવડ, મુકેશભાઇ મોટા વડીયા ગામ તા.જામજોધપુર અને એક અજાણ્યો ઈસમ સહિતના સખ્સોએ વાડીનો કબ્જો ખાલી કરવા બાબતે બોલાચાલી કરી ઝધડો કર્યો હતો.
દરમિયાન ઉસ્કેરાઇ ગયેલ આરોપી મુકેશે તેણીને પકડી રાખેલ અને આરોપી ભાવેશએ લાકડાના ધોકા વડે તેણીને ડાબી બાજુ કાન ઉપર તથા માથાના ભાગે માર માર્યો હતો. આરોપી નગાભાઇએ લાકડાના ધોકા વડે ડાબા હાથમા ખંભાથી નીચે તથા ડાબા પગના સાથળના ભાગે તથા શરીરે મુંઢ માર મારી ઈજા પહોચાડી હતી. ચારેય આરોપીઓએ તેણીને ભુંડી ગાળો આપી, જાન થી મારી નાખવાની ઘમકી આપી નાશી ગયા હતા. જયારે બીજા દિવસે મુકેશ અને અજાણ્યો સખ્સ મોટરસાયકલ લઇ ફરી વાડીએ ગયા હતા અને તેણીને ફરી ધમકાવતા તેણીએ ૧૮૧ અભયમની મદદ લઇ પોલીસ દફતરે પહોચી ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે તેણીના પિતાની જમીન તેના કાકાએ વેચી નાખી હોવાની આરોપીઓએ વાત કરી જમીન ખાલી કરી દેવા ધાક ધમકીઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.